આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેમણે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે-મોદી

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હુમલાખોરોને સજા ચોક્કસથી મળશે. અમે તે માટે સેનાને દરેક પ્રકારની છૂટ આપી દીધી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલી કેબિનેટ કમિટીની બેઠક પછી વડાપ્રધાન 'વંદે માતરમ' ટ્રેનનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હુમલાખોરોને સજા ચોક્કસથી મળશે. અમે તે માટે સેનાને દરેક પ્રકારની છૂટ આપી દીધી છે. મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું છે કે, તેઓ જે રસ્તા પર જઈ રહ્યા છે ત્યાં માત્ર બરબાદી જ છે. ભારત આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તો કોંગ્રેસ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હાલના સમયે સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકાર અને સેના સાથે હોવાનું જણાવ્યું છે.

મોદીએ કહ્યું કે, આતંકી હુમલાના કારણે લોકોમાં જે આક્રોશ છે એને હું ખૂબ સારી રીતે સમજી શકુ છું. હાલ જે દેશની અપેક્ષા છે, કંઈક કરી બતાવવાની ભાવના છે તે સ્વાભાવિક છે. આપણી સેનાને સંપૂર્ણ આઝાદી આપી દેવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, દેશભક્તિમાં રંગાયેલા લોકો સાચી માહિતી એજન્સી સુધી પહોંચાડશે. જેથી આપણી લડાઈ વધારે મજબૂત બની શકે.

હાલ સમગ્ર વિપક્ષ સરકાર અને સેનાની સાથે- રાહુલ ગાંધી: પુલવામા હુમલા અંગે કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર વિપક્ષ હાલ ભારત સરકાર અને સેનાની સાથે છે. આ હુમલો ઘણો મોટો છે, આતંકીઓનો હેતુ દેશના ભાગલા પાડવાનો છે. રાહુલે કહ્યું કે અમે દરેક શહીદ પરિવારની સાથે ઊભા છીએ દેશને કોઈ જ શક્તી નહીં તોડી શકે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કહ્યું કે દેશ હાલની પરીસ્થિતિમાં એક સાથે ઊભો છે. અમે લોકો સરકાર અને સેનાની સાથે છીએ.

આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે: મોદીએ કહ્યું, હું આતંકીઓ અને તેમના સમર્થકોને કહેવા માંગુ છું કે, તેમણે ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેમણે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે, હુમલાની પાછળ જે પણ તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તે માટે સજા આપવામાં આવશે. જે લોકો અમારી નિંદા કરી રહ્યા છે તેમની લાગણી હું સમજી શકુ છું.

પાકિસ્તાની ઈચ્છાઓ ક્યારેય પૂરી નહીં થાય: વડાપ્રધાને કહ્યું, પક્ષ અથવા વિપક્ષ અમે બધા આ મામલે રાજનીતિથી દૂર રહીશું. દેશ એકજૂથ થઈને આ હુમલાનો મુકાબલો કરશે. સમગ્ર દેશનો એક જ અવાજ છે અને તે આખા વિશ્વમાં સંભળાવવો જોઈએ. કારણ કે આપણે આ લડાઈ જીતવા માટે લડી રહ્યા છીએ. આખી દુનિયામાં એકલું પડી ગયેલુ પાકિસ્તાન જો એવું વિચારતું હોય કે, આતંકી ગતિવિધિઓથી તેઓ ભારતને અસ્થિર કરી દેશે, તો તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. પડોશી દેશને લાગે છે કે, તેઓ આવા હુમલા કરીને ભારતને પરેશાન કરી શકે છે તો તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થવા દઈએ.

જેણે નફરત ફેલાવી તે બરબાદ થઈ ગયું: મોદીએ કહ્યું કે, સમયે સાબીત કરી દીધું છે કે, જ્યારે પણ કોઈએ નફરત ફેલાવી છે તે બરબાદ થઈ ગયા છે. આ સંજોગોમાં ભારત આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ઘણાં મોટા દેશોએ આકરા શબ્દોમાં આ હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના સમર્થન અને સાથે ઉભા હોવાની ભાવના વ્યક્ત કરી છે. હું દરેકને કહુ છું કે, આતંક વિરુદ્ધ માનવતાવાદી શક્તિઓથી લડવું પડશે. આપણે આતંકને હરાવવું જ પડશે. એક અવાજ અને એક દિશામાં ચાલીશું તો આતંકવાદ ટકી નહીં શકે.