યુટ્યૂબનાં બે પાસાં

યુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.

જો જીપીએસસી કે યુપીએસસીમાં પાસ થવું એ તમારું લક્ષ્ય હશે, તો અનુદીપ દુરીશેટ્ટી તમારા માટે અજાણ્યું નામ નહીં હોય. મૂળ તેલંગણાના અનુદીપે પિલાની, રાજસ્થાનના વિખ્યાત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાંથી બી.ટેક.ની ડીગ્રી મેળવી છે. 2011થી તેમણે આઇએએસની પરીક્ષા આપવાની શરૂઆત કરી અને 2018માં સફળતા મળી. એ દરમિયાન તેમને વતન હૈદરાબાદમાં ગૂગલમાં નોકરી મળી ગઈ. યુપીએસસી પાર કરીને તેઓ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીઝના ઓફિસર પણ બન્યા, છતાં તેમણે આઇએએસનું લક્ષ્ય ન છોડ્યું અને આ વર્ષે તેઓ યુપીએસસીમાં ટોપર બન્યા. અનુદીપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમણે એન્થ્રોપોલોજી (માનવ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ) વિષય પસંદ કર્યો હતો અને તેની તૈયારી માટે તેમણે યુટ્યૂબ પર પૂરેપૂરો મદાર રાખ્યો!


તેમણે જિનેટિક્સ, ડીએનએ રેપ્લિકેશન વગેરે બાબતો સમજવા માટે યુટ્યૂબ પર ખાન એકેડેમી ચેનલનો લાભ લીધો. તેમણે કહ્યું મોટા ભાગના વિડિયો ફક્ત 5થી 15 મિનિટના હોય છે. ‘શોર્ટ અને ક્રિસ્પ’ વિડિયોમાં જોઈતી પૂરી જાણકારી સચોટ રીતે મળી જાય છે. અનુદીપ ઓફિસે આવવા-જવાના સમયે સ્માર્ટફોનમાં આ વીડિયો જોઈ લેતા હતા.


યુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે. યુટ્યૂબ પર નકામા કન્ટેન્ટની એટલી ભરમાર હોય છે કે તેમાંથી આવી ચેનલ્સ સુધી પહોંચવું અઘરું છે, પણ તમે યુટ્યૂબના ફિલ્ટર્સનો યોગ્ય ઉપયોગ કરો અને એકાદી સારી ચેનલ સુધી પહોંચી જાઓ તો પછી બીજી, તેના જેવી ચેનલ્સ સહેલાઈથી મળવા લાગે છે. યુટ્યૂબનું આ એક પાસું થયું.


બીજું પાસું હમણાં બીબીસીએ ખોલ્યું! બીબીસીએ કરેલા એક ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું કે યુક્રેઇનની એક કંપની વિદ્યાર્થીઓનું હોમવર્ક કરી આપવાની સર્વિસ પૂરી પાડતી હતી! યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે પ્રોજેક્ટના ભાગ રૂપે કોઈ એસે (નિબંધ) લખવાનો હોય તો આ સર્વિસ નાણાં લઈને તે કામ કરી આપતી હતી. કંપનીના દાવા મુજબ ઓર્ડરથી લખાયેલા આ નિબંધ નવેસર લખાયેલા હોય છે, એટલે કે કોપી-પેસ્ટ હોતા નથી અને તેને માટે એ+ ગ્રેડ મળવાની ગેરંટી!


આપણે ત્યાં પણ ઘણા સ્માર્ટ લોકો રૂપિયા લઈને ટાબરિયાંના સ્કૂલ પ્રોજેક્ટ તૈયાર કરી આપતા હોય છે અને મમ્મીઓ સંતાનના હોમવર્કમાં મદદ કરવામાંથી છૂટવા, તેના ભાવિનો વિચાર કર્યા વિના આવી સર્વિસનો ‘લાભ’ લેતી હોય છે. આવી ‘સર્વિસ’ ગેરકાયદે નથી, પણ યુક્રેઇનની પેલી કંપની યુટ્યૂબ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા અલગ અલગ પ્રકારના સ્ટાર યુટ્યૂબર્સને નાણાં આપીને, તેમના મોંએ, તેમના વિડિયોમાં પોતાની સર્વિસની જાહેરાત કરાવતી હતી, જે યુટ્યૂબની પોલિસી મુજબ ગેરકાયદે હતું. હવે યુટ્યૂબે આવી જાહેરાત કરતા વિડિયો દૂર કર્યા છે. યુટ્યૂબનો કેવી રીતે લાભ લેવો એ આપણે જ નક્કી કરવાનું છે.

 

For More Info Like Our Facebook Page : 

https://www.facebook.com/LunawadaInfo/